કોઇ પાતળા વ્યક્તિને જોઈને તમને ઘણીવાર એવું લાગતું હશે કે આ કેટલો લકી છે. જો તમારું વજન વધેલું છે અને એ માટે તમે ઘણી મહેનત કરો છો તો તો આ વાત વધુ લાગી આવે છે. પણ શું તમે જાણો છો કે પાતળું હોવું એ સ્વસ્થ હોવાની નિશાની નથી અને ન ફક્ત થોડું વધેલું વજન અનફિટ હોવાની નિશાની છે.
વજનનું અસંતુલન અને શરીર પર તેની અસર એ અસલી સમસ્યાનું મૂળ છે. મતલબ કે પાતળા લોકોને પણ ફિટ રહેવા માટે એક્સરસાઇઝ અને પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે. આખરે એવું તો શું કારણ છે કે એક વ્યક્તિ ચીઝથી ભરેલું જંક ફૂડ ખાધા પછી પણ પાતળો રહે છે અને બીજી બિચારી વ્યક્તિનું વજન અડધી રોટલીમાં પણ વધી જાય છે. આ મેટાબોલિઝમનો જાદુ છે.
એવું બની શકે છે કે કોઈ વ્યક્તિને કુદરતી સારા મેટાબોલિઝમની ભેટ પ્રાકૃતિક રીતે મળી હોય પરંતુ જો થોડી મહેનત કરવામાં આવે તો તમે તમારા મેટાબોલિઝમને પણ નિયંત્રિત કરી શકો છો. તે બધું તમારા શરીરમાં મસલ્સ માત્રા પર આધારિત છે અને રેસિસ્ટન્સ ટ્રેનિંગ અથવા સ્પેશિયલ વર્કઆઉટ દ્વારા તમે શરીરમાં સ્નાયુઓની માત્રામાં વધારો કરી શકો છો. તેવી જ રીતે, વર્કઆઉટ દ્વારા, તમે સારી માત્રામાં કેલરી પણ બર્ન કરી શકો છો.
ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તમારા વજનને સંતુલિત રાખવામાં. પરંતુ આનો અર્થ એ નથી કે જો પાતળા વ્યક્તિ પોષણયુક્ત ખોરાક ન ખાય તો પણ તે સ્વસ્થ જ રહેશે. તેનો મેટાબોલિઝમ રેટ હંમેશા તેની સાથે રહેશે. આવું નથી થતું. જો કોઈ પાતળો વ્યક્તિ પુષ્કળ જંક ફૂડ ખાવા છતાં પાતળો રહે છે, તો પણ તેના શરીરને જંક ફૂડ વધારે ખાવાથી થતા તમામ નુકસાનો થઈ રહ્યા છે. એ જ રીતે જમ્યા પછી તરત સુઈ જવું, કોઈપણ ફિઝિકલ એક્ટિવિટી વગર રહેવું, મોબાઈલ, ટીવી જોતા જોતા ખાવું વગેરે આદતો પાતળા લોકો માટે પણ નુકશાનકારક જ હોય છે.
એક્સરસાઇઝ કે ફિઝિકલ એક્ટિવિટીની જરૂર ફક્ત વજન ઘટાડવા માટે જ નથી હોતી. વજનને સંતુલિત રાખવા અને શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે પણ એક્સરસાઇઝ જરૂરી હોય છે.
તમે પાતળા હોવ કે જાડા, તમારો આહાર તમારા શરીર પ્રમાણે હોવો જોઈએ. શાક, રોટલી, ભાત, દાળ, સલાડ, રાયતા વગેરે ધરાવતી સામાન્ય ભારતીય થાળી શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે માંસાહારી છો તો સીફૂડ અને ઈંડા પણ ફાયદાકારક હોઈ શકે છે. મેટાબોલિઝમનો દર સારો બનાવવા માટે ખોરાક ઉપરાંત પૂરતી ઊંઘ લેવી, પુષ્કળ પાણી પીવું, દારૂ અને સિગારેટ વગેરેથી દૂર રહેવું પણ જરૂરી છે.