કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો બુધવારના રોજ વાયરલ થયો હતો. જેમાં ભરતસિંહના ઘરે અન્ય યુવતી જોવા મળતા પત્ની રેશ્મા પટેલે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્નીનું નામ લીધા વિના ખુલાસો કરતા કહ્યું કે, ‘મીડિયામાં આવી જવાથી કોઈ વાતનો નિકાલ આવવાનો નથી એટલે મે એવું વિચાર્યું કે ઘરની વાત ઘરમાં રહે. લગ્નજીવનમાં સમસ્યાવાળા દેશમાં કેટલાંય કુટુંબો છે. મારા નોકર-ચાકર અને મારા કાર્યકર્તાને મારા વર્તન વિશે પૂછી શકો છો. મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ. એમણે હંમેશા મારી મિલકતની જ ચિંતા જ કરી છે અને હું ક્યારે મરી જાઉં એની જ એ ચિંતા કરે છે. મારી વિરૂદ્ધ દોરા-ધાગા પણ કરવામાં આવ્યાં. મને એમ લાગ્યું કે મારા જીવને જોખમ છે ત્યારે મે નોટિસ આપી કે હું એમની સાથે નથી. આખા ગુજરાતમાં પૂછી લો કે મારો સ્વભાવ કેવો છે, મને કોઈ ગાળ બોલે તો પણ હું એક કરોડ રૂપિયા આપવા તૈયાર છું.’ પત્ની રેશ્મા પટેલ સાથે ચાલી રહેલા વિવાદને લઇને નામ લીધા વિના ગંભીર આક્ષેપો કરીને ભરતસિંહે એમ પણ કહ્યું કે, ‘તેમને બસ મારી પ્રોપર્ટીમાં જ રસ છે.’
ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની રેશમા પટેલ ઉપર આરોપ પણ લગાવ્યા છે. તેમણે કહ્યું કે મારી પાસે ઘણા જ પુરાવા છે જે હું કોર્ટમાં રજૂ કરીશ. ભરતસિંહે કહ્યું કે જ્યારે તેઓ કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા અને ઓક્સિજન ઉપર હતા ત્યારે પણ તેમની પત્ની એવું જ કહેતી હતી કે ભરતસિંહની પ્રોપર્ટી મને આપી દો. તેઓ જણાવે છે કે એમને એટલે કે રેશમા પટેલને માત્ર પ્રોપર્ટીની ચિંતા છે.
ભરતસિંહ સોલંકીએ વાયરલ વિડીયો અંગે પણ માહિતી આપે છે. આ સાથે જ વાયરલ વીડિયોમા દેખાતી યુવતીની ઓળખ આપતા તેમણે કહ્યું છે કે આ યુવતીનું નામ રિદ્ધિ પરમાર છે. મારે તેમની સાથે સામાજિક સંબંધ છે કોઈપણ રાજકીય સંબંધ નથી. આ ઉપરાત કે તે કોઈ કાર્યકર નથી.
વાયરલ વિડીયો બાદ તેમણે રાજકારણમાં થોડા સમય માટે બ્રેક લેવાની પણ જાહેરાત કરી દીધી હતી. સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તેઓ પોતાનું સામાજિક કાર્ય ચાલુ રાખશે તેવું પણ કહ્યું છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર ભરતસિંહનો વિડીયો વાયરલ થતાં કોંગ્રેસની છબી પર આંગળીઓ ચિંધાઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધીએ એક નેતાને તપાસ કરવા પણ મોકલ્યા છે.