થોડા સમય પહેલા સુરતના પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની જે હત્યા કરવામાં આવી હતી એ હત્યા કેસમાં હવે કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને દોષી ગણાવ્યો છે. આ અંગે ગ્રીષ્માના પિતાએ કહ્યું કે કોર્ટ ખૂબ જ સારી રીતે કાર્યવાહી કરી. તેમજ કોર્ટે બધા જ પુરાવાની ઉંડાણપૂર્વકની તપાસ કરી અને અમને ખુશી છે કે બધા જ પુરાવા સાચા સાબિત થયા છે. આ ઉપરાંત તેમને કહ્યું કે ફેનિલને મૃત્યુદંડની સજા થવી જોઈએ.
તેમને આગળ કહ્યું કે એમની દીકરી બાદ સમાજમાં બીજી કોઇ ગ્રીષ્મા ન બનવી જોઈએ. આ અંગે ગ્રીષ્માના કાકી રાધિકાએ જણાવ્યું છે કે ગ્રીષ્માં સાથે જે બનાવ બન્યો છે એવો બનાવ ક્યારેય બનવો ન જોઈએ. કોર્ટ સમક્ષ જેટલા પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે તમામ પુરાવા સાચા સાબિત થયા છે.
આ ઉપરાંત તેમને કહ્યું કે આરોપી ફેનીલ વિરુદ્ધ જે કલમો લગાડવામાં આવી છે તેનાથી અમને સંતોષ છે. સમાજમાં રોજ રોજ આવા બનાવો બને છે. આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. જેથી અમારી દીકરી ગ્રીષ્મા સાથે બન્યું એવું અન્ય કોઈ સાથે ક્યારેય ન બને.ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંનેને જોઈતો સમય આપ્યા પછી પણ ખૂબ જ ઝડપથી આ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોર્ટે આ સમગ્ર ઘટનાને હત્યારા ફેનીલ દ્વારા જાણી જોઈને હત્યા કરવામાં આવે એ પ્રકારની ઘટના ગણી છે. કોર્ટે કહ્યું કે પ્રેમ હોય એટલે કઈ હત્યા કરવાનું લાયસન્સ મળી જતું નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે માત્ર અમુક ફોટાઓ રજૂ કરવાથી એ સાબિત થતું નથી કે બન્ને વચ્ચે પ્રેમ હતો.
તમને જણાવી દઈએ કે સુરતમાં કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનીલ ગોયાનીએ ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને ઘાતકી હત્યા કરી હતી. એ પછી એનેહાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
જેવી ફેનીલની રિમાન્ડ પૂર્ણ થઈ કે તરત એને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડાયો હતો. સવા મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરી હવે ફેનિલને દોષિત ગણવામાં આવ્યો છે.