મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદતી વખતે ઘણીવાર આપણે કાળજી લેતા નથી જે ઘણીવાર ખતરનાક સાબિત થઈ શકે છે. દવાઓ લેતી વખતે આપણે એની એક્સપાયરી ડેટ અને કિંમત તો જોઈએ છીએ પણ બીજી જરૂરી વાતોને અવગણીએ છીએ જે મોટા હેલ્થ પ્રોબ્લેમ્સનું કારણ બની શકે છે. એટલે જરૂરી છે અમુક સાવધાની રાખવાની જેથી દવાઓ તમને બીમારીથી રાહત આપી શકે, ન કે તમારા હેલ્થ પ્રોબ્લેમ્સનું કારણ બને.
દવાના રેપર પર બનેલા નિશાન દવા વિશે મહત્વપૂર્ણ જાણકારી આપે છે અને જણાવે છે કે ક્યાંક એ દવા નશીલી તો નથી ને. તો ચાલો રેપર પર આવતા એવા જ કેટલાક નિશાનો વિશે જાણીએ જેથી ફરી વખતે તમે કોઈ દવા ખરીદવા જાઓ તો આ નિશાનને જુઓ, એનો અર્થ સમજો અને પછી જ દવા ખરીદો
XRx નું નિશાન:
સામાન્ય રીતે મેન્ટલ ડિસઓર્ડરની સારવારમાં જે દવાઓ ઉપયોગમાં લેવાતી હોય તેના પર XRx લખેલું હોય છે. આ દવાઓ નશીલી હોય છે. ધ્યાનમાં રાખો કે કોઈપણ મેડિકલ સ્ટોર આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકશે નહીં. ઉપરાંત, દવા વેચવા પર, તેણે પ્રિસ્ક્રિપ્શનની નકલ બે વર્ષ સુધી સાચવીને રાખવી પડશે. તેથી, જો તમારા કેમિસ્ટ તમને આ ચિહ્ન સાથે કોઈ દવા આપે છે, તો સાવચેત રહો.
NRxનું નિશાન:
આ દવાઓનો ડિપ્રેશન, એન્જાઇટી અથવા કોઈપણ ખરાબ વ્યસનને દૂર કરવાની ટ્રીટમેન્ટ માટે ઉપયોગ થાય છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ વિના લઈ શકાતી નથી અને પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાતી નથી. તેથી આવી દવાઓથી પણ બચો.
Rxનું નિશાન:
આ દવાઓ પણ ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવી જોઈએ. જો કે આ સામાન્ય દવાઓ છે, પરંતુ ડૉક્ટરની સલાહ વિના આ દવા લેવી ખતરનાક બની શકે છે
રેડ લાઇનઃ
રેપર પર રેડ લાઇનનો અર્થ છે કે લાલ પટ્ટીવાળી દવાઓ પણ ડૉક્ટરની સલાહથી જ લેવી જોઈએ. સામાન્ય રીતે આ પટ્ટી એન્ટીબાયોટીક દવાઓ પર હોય છે. તેમને ખરીદતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો
જ્યારે ઓનલાઇન દવાઓ મંગાવો ત્યારે
આજકાલ ઓનલાઈન દવાઓ પણ ઉપલબ્ધ છે, જે તમને ઘરે બેઠા દવાઓ પૂરી પાડે છે. ઓનલાઇન દવાઓ ઓર્ડર કરવા પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ એટલું વધારે છે કે લોકો બહુ વિચાર્યા વગર દવાઓનો ઓર્ડર આપે છે, પરંતુ ઓનલાઈન દવાઓનો ઓર્ડર આપતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ધ્યાનમાં રાખો કે જ્યારે તમે કોઈપણ વિશ્વસનીય વેબસાઇટ પરથી દવાઓનો ઓર્ડર આપો છો, ત્યારે તમને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરવાનું જરૂર કહેવામાં આવશે. જો કોઈ વેબસાઈટ આવું ન કરે તો ત્યાંથી દવા ન મંગાવો
તમે વેબસાઈટ પરથી તેમના લાઇસન્સ વિશે પણ માહિતી મેળવી શકો છો. વેબસાઇટ પાસે દવા વેચવાનું લાયસન્સ છે કે નહીં.
ઓનલાઈન દવાનો ઓર્ડર આપતી વખતે, તેમના ટર્મસ એન્ડ કન્ડિશન, રીટર્ન પોલિસી જરૂર વાંચો. જો રિટર્ન પોલિસી ન હોય, તો સમજો કે કંઈક ગડબડ છે.
દવાનો ઓર્ડર આપતા પહેલા, વેબસાઇટ કે કસ્ટમર કેર સાથે વાત કે મેઈલ કરો જેથી તમેં તમારી બધી શંકાઓ દૂર કરી શકો
જ્યારે દવાઓ તમારા ઘરે આવશે, ત્યારે તેની સાથે બિલ ચોક્કસપણે આવશે, જેના પર સપ્લાયરનો લાઇસન્સ નંબર લખેલો હોવો જોઈએ. જો દવા વેચાણ લાયસન્સ નંબર ન હોય તો સમજવું કે દવાઓ ઓથેન્ટિક નથી.
આ ઉપરાંત, દવાઓની એક્સપાયરી જરૂર ચેક કરો.
દવા ક્યાંયથી ફાટેલી ન હોવી જોઈએ અને તેના પર કોઈ અલગ લેબલ ચોંટાડવું હોવું જોઈએ નહીં.
ધ્યાન રાખો કે તમે જે દવાઓનો ઓર્ડર કરી હતી તે આવી છે કે તેના સબસ્ટિટ્યૂડ આવ્યા છે. સામાન્ય રીતે, ઓથેન્ટિક વેબસાઇટ્સ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જેનરિક દવાઓ આપતી નથી.
ઓનલાઈન દવાઓ મંગાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ પણ લો.
એ પણ ધ્યાનમાં રાખો કે વેબસાઇટ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરી રહી નથી.
જો ખરીદેલી દવા બિનઅસરકારક જણાય છે, તો તમે તમારા રાજ્યના ડ્રગ કંટ્રોલરને ફરિયાદ કરી શકો છો.
દવા ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
અન્યની પ્રિસ્ક્રિપ્શન દવાનો ઉપયોગ કરશો નહીં. ક્યારેક તેની ગંભીર સાઈડ ઇફેક્ટસ પણ થઈ શકે છે. જો રોગ એક જ હોય તો પણ તેના માટે એક જ દવાનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે.
અધૂરી સારવાર ખતરનાક છે, કારણ કે બ્લડ પ્રેશરની દવા બંધ કર્યા પછી બ્લડ પ્રેશર ફરી વધી શકે છે. એ જ રીતે ડાયાબિટીસ, ટીબી, અસ્થમા વગેરે રોગોમાં દવાનો કોર્સ પૂરો ન કરવો રિસ્કી બની શકે છે.
હંમેશા રજિસ્ટર્ડ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદો, ખરીદેલી દવાની રસીદ લેવી આવશ્યક છે.
દવા ખરીદતી વખતે એક્સપાયરી ડેટ જરૂર ચેક કરો
જો મેડિકલ સ્ટોરવાળા વ્યક્તિ ડૉક્ટર દ્વારા લખેલી દવાને બદલે બીજી દવા આપતા હોય તો ડૉક્ટરની સલાહ વિના તે દવા ન લેવી. પ્રિસ્ક્રિપ્શન પર સૂચવ્યા મુજબ દવાની માત્રા લો.
દરેક દવાને ફ્રીજમાં રાખવાની જરૂર નથી, તેથી ડૉક્ટરના નિર્દેશ સિવાય દવાઓને ફ્રીજમાં રાખવાનું ટાળો.