IT વિભાગે અનિલ અંબાણીને બે સ્વિસ બેંક ખાતામાં ગુપ્ત નાણાં રાખવા બદલ પ્રોસિક્યુશન નોટિસ જારી કરી છે. આ સાથે આવકવેરા વિભાગે રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીની સામે બ્લેક મની એક્ટ હેઠળ રૂ. 420 કરોડનો કરચોરી કરવા બદલ 814 કરોડથી વધુના અઘોષિત નાણા સ્વિસ બેન્કના બે ખાતામાં રાખવાના કેસમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે. .
વિભાગે 63 વર્ષીય અંબાણી પર કરચોરીનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે તેમણે ભારતીય કર સત્તાવાળાઓને તેમના વિદેશી બેંક ખાતાની વિગતો અને નાણાકીય હિતોને “ઈરાદાપૂર્વક” જાહેર કર્યા નથી.
આ મામલામાં આ મહિનાની શરૂઆતમાં અંબાણીને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. વિભાગે કહ્યું કે આ કેસમાં અનિલ અંબાણી પર બ્લેક મની (અનડિસક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) ટેક્સ એક્ટ 2015ની કલમ 50 અને 51 હેઠળ કેસ ચલાવી શકાય છે, જેમાં દંડ સાથે વધુમાં વધુ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. અનિલ અંબાણીને આ મામલે 31 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ અંગે અનિલ અંબાલી કે તેમની ઓફિસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીએ એસેસમેન્ટ વર્ષ 2012-13 થી 2019-20 વચ્ચે વિદેશી બેંકોમાં અઘોષિત સંપત્તિઓ રાખીને કરચોરીનો આરોપ લગાવ્યો છે.