કર્મ ફળદાતા શનિદેવના પ્રકોપથી મનુષ્યના જીવનમાં નોકરી, વેપાર, સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો આવતી રહે છે.આપણા પુરાણોમાં શનિદેવને સૂર્યના પુત્ર અને કામના ફળ આપનાર કહેવામાં આવ્યા છે. શનિ એક એવો ગ્રહ છે જે તમારું ભાગ્ય ચમકાવીને તમને રાજા બનાવી શકે છે અને જો તે રિસાઈ જાય છે તો તે તમને રાજામાંથી રંક પણ બનાવી શકે છે. તે બધું તમારી કુંડળીમાં શનિની સ્થિતિ પર આધારિત છે. તેથી, શનિના ધૈય્યા અથવા સાડા સાતીથી પ્રભાવિત લોકો ખૂબ જ પરેશાન થાય છે. જ્યારે શનિ અશુભ ફળ આપે છે ત્યારે વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થાય છે અને તેને જીવનમાં સંઘર્ષ કરવો પડે છે.આ તકલીફોના નિવારણ માટે શનિવારના દિવસે શનિદેવની ખાસ પૂજા અને અમુક ઉપાય કરવા લાભદાયક જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણી લઈએ શનિવારના દિવસે કયો ઉપાય કરવાથી શનિ શુભ ફળ આપે છે.
છાયા દાન :-
શનિવારના દિવસે એક લોખંડની વાટકીમાં સરસવનું તેલ લો અને એમાં તમારો ચહેરો જોઈ લો. એ પછી આ તેલને શનિ મંદિરમાં દાન કરી દો. આવું અમુક શનિવાર સુધી સતત કરવાથી શનિ સાથે જોડાયેલી સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. એ સિવાય રોટલી પર સરસવનું તેલ લગાવીને શનિવારના દિવસે કાળા કૂતરાને ખવડાવો
દાન પોટલી :-
જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરવા માટે શનિવારે એક કિલો સપ્તધન, અડધો કિલો કાળા તલ, અડધો કિલો કાળા ચણા, થોડી લોખંડની ખીલીઓ, સરસવના તેલની એક શીશી લો અને આ બધી વસ્તુઓને વાદળી કપડામાં બાંધીને પોટલી બનાવી લો. હવે આ પોટલી શનિ મંદિરમાં દાન કરો અને શનિદેવને તમારા દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરો
મંત્રનો જાપ કરો :-
શનિવારના દિવસે આ બે મંત્ર ‘ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नम’ અને ‘ॐ शं शनिश्चरायै नमः’નો યથાશક્તિ જાપ કરો.શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિદેવની આરતી પણ કરો. શનિદેવની પ્રસન્નતા માટે વ્યક્તિએ શનિવારે વ્રત રાખવું જોઈએ અને ગરીબ લોકોની મદદ કરવી જોઈએ, આવુ કરવાથી જીવનમાં આવતા સંકટ દૂર થવા લાગે છે.
પીપળાની પૂજા :-
શનિવારે સૂર્યોદય પહેલા અથવા સૂર્યાસ્ત પછી પીપળાની પૂજા કરવાથી તમારા ઉપર શનિદેવની કૃપાની સાથે સાથે લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પીપળાને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે, શનિદેવ પણ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. આવી સ્થિતિમાં શનિવારે પીપળાની પૂજા કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના કષ્ટો દૂર કરે છે.
હનુમાનજીની ઉપાસના :-
હનુમાનજીની ઉપાસના કરનારાઓ પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે, તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે શનિ પૂજાની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ. જો તમે શનિદેવની કૃપા મેળવવા માગતા હોવ તો સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરી હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો.