પત્ની પર આવું ક્રૂર વર્તન ક્યારેય ન કરતાં દીકરી એ પોતાના જ બાપ ને દેખાડી દીધો અરીસો આ કહાની સાંભળીને રડી પડશો.
શાલીની… શાલીની…
કેટલી વાર કહ્યું છે તને કે હું તૈયાર થઈ ને આવું ત્યાં સુધીમાં નાસ્તો ટેબલ પર તૈયાર થઈ જવો જોઈએ.
ખબર નહિ તું કરે છે શું .. છેલ્લા 25 વર્ષ થી તારૂ આવુને આવુજ રહ્યું છે” અતુલ ભીનો ટુવાલ ખુરશી ઉપર ફેંકતા બોલ્યો.
શાલીની પર ખુબજ ગુસ્સે થયો. અને હંમેશા ની જેમ મોઢું ચડાવી દરવાજો ભટકાડતા ઓફિસમાં જવા નીકળી ગયો.
રસોડામાં, શાલિનીએ હાથમાં પકડેલી પ્લેટમાં ગરમ આલુ પરોઠા તથા ચાનો કપ હતો તે પ્લેટફોર્મ પર રાખી બહાર આવી સોફા પર બેસી ગઈ.
આ કંઈ પહેલીવાર બન્યું ન હતું. આવું તો દર મહિને બે મહિને થતું જ રહેતું.
ક્યારેક જમવા વિશે, ક્યારેક કપડાં વિશે, ક્યારેક સામાન ન મળતા અતુલ ગુસ્સે થઈ બોલતો. ત્યારે શાલિની જે પહેલા તેના પક્ષમાં સફાઈ આપવાની કોશીશ કરતી પરંતુ હવે તે ચૂપ જ રહેતી.
ઘરમાં એક ઉંમરલાયક પુત્રી અનન્યા પણ હતી. શાલિની નહોતી ઈચ્છતી કે માતા -પિતાના ઝઘડાની અસર તેમની દીકરી પર થાય.
એવું નહોતું કે શાલિનીએ ક્યારેય પોતાના માટે અવાજ ઉઠાવ્યો ન હતો પરંતુ જ્યારે આવી દલીલબાજી થતી ત્યારે અતુલ કહેતો. “હું બહુ ખરાબ છું તો પછી તારા પીયર ચાલી જા” શાલિનીને ચૂપ કરવા માટે આ વાક્ય જ પૂરતું હતું.
શાલિનીએ અતુલમાં પરિવર્તન લાવવા માટે પહેલા પાંચ વર્ષ સુધી બનતાં પ્રયાસ કર્યા પરંતુ કંઇ ફેરફાર થયો નહીં.
અતુલનો ગુસ્સો જે તેની આદત હતી, જેને તે બદલવા પણ માંગતો ન હતો. તેથી શાલિનીએ પોતાની જાતને બદલવાનું શરૂ કર્યું, હવે તેને બહુ પરવા ન હતી તે હવે તેની 23 વર્ષની પુત્રીની ચિંતા કરવા લાગી હતી.
દીકરીનું શિક્ષણ પૂરું થયું. લગ્ન માટે માંગા પણ આવવા લાગ્યા. પણ દીકરી હજુ લગ્ન માટે તૈયાર નહોતી.
તે નોકરી કરવા માંગતી હતી.
લગભગ ચાર-પાંચ મહિના પછી ખુબજ સારા સંબંધની વાત આવી. છોકરો એક સારા પરિવારનો હતો. જોબ પણ સારી હતી. સગા સંબંધીઓ પણ છોકરાના ખૂબ વખાણ કરતા.
સાંજે અતુલ તેની દિકરીની બાજુમાં જઈને બેઠો અને તેને પૂછ્યું “બેટા અનુ, છોકરો બહુ સારો છે. તું કેમ ના પાડી રહી છે? તને ત્યાં કંઈ પણ કમી નહીં રહે. છોકરાની નોકરી પણ બહુ સારી છે. ઘર પણ ખૂબ મોટું છે. એમને તું પસંદ પણ છો. આખરે આ સંબંધ થી તને શું સમસ્યા છે?
અનુ, જે તેના પિતા સાથે ખુબ ઓછી વાત કરતી હતી, આજે એણે પોતાની વાત કહેવાની હિંમત કરી.
તે બોલી .. “પપ્પા હું હજુ નોકરી કરવા માંગુ છું કારણકે હું આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવા માંગતી નથી. હું કોઈ પર બોજારૂપ બનવા નથી માગતી પપ્પા..”
“અરે, બેટા છોકરો બહુ સરસ છે. તને હંમેશા ખુશ રાખશે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી. તું ત્યાં નોકરી પણ કરજે. તેને કોઈ સમસ્યા નથી. મેં વાત કરી છે.” અતુલે સમજાવ્યું.
“પપ્પા, શું મારી નોકરી તેની મરજી પર આધારિત છે?” દીકરીએ પૂછ્યું.
“વાતનું વતેસર ના કર. તારા મગજમાં એ વાત કેમ નથી ઉતરતી કે ત્યાં બધું સારું છે, ત્યાં તું ખુશ રહીશ” ..અતુલ ગુસ્સામાં બોલ્યો.
“જેવી રીતે મમ્મી તમારી સાથે ખુશ છે ? ” અનુ કટાક્ષ મા બોલી
“અનુ ……….” અતુલે જોરથી રાડ પાડી.
“પપ્પા, મારે તમારા જેવો પતિ નથી જોઈતો. હું નથી ઇચ્છતી કે મારો પતિ જ્યારે ઈચ્છે ત્યારે મારા પર ગુસ્સો કરે … વાત વાતમાં પીયર મોકલી દેવાની ધમકીઓ આપે … મારે નોકરી પણ તેમની મંજૂરી થી કરવી પડે … પપ્પા, હું મારી મમ્મી જેવું જીવન જીવવા નથી માંગતી. મમ્મીએ ઘણી કોશિશ કરી પરંતુ તમે બદલાયા નહીં. એટલાં માટે જ હું લગ્ન પહેલા મારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગુ છું. તમને ઘરકામ મામૂલી લાગે છે. પણ જો કોઈ કારણસર કામ બાકી રહી ગયું હોય તો તમે ગુસ્સે થઈ જાવ છો. તમે ઓફિસનો ગુસ્સો વિચાર્યા વગર મારી મમ્મી પર કાઢો છો.પરંતુ તે સહન કરતી રહી. તે હમેશા પોતાનો આત્મસન્માન ગુમાવતી રહી. પણ હું નહીં… ..”
અનુએ આજે પહેલી વાર અતુલને આટલી વાત કહી.
અતુલનો ગુસ્સો સાતમા આસમાને હતો. પરંતુ આજે તે તેની પુત્રી સામે મૌન જ રહ્યો. બસ એટલું કહ્યું … “જેમ ઠીક લાગે એમ કર … હું તો ખરાબ જ છું ને,
દીકરીએ તેના પિતાનો હાથ પકડી લીધો અને કહ્યું. “પપ્પા, મે આજે જે કહ્યું તે તમે વારંવાર કરો છો. તમને સાંભળીને ખોટું લાગ્યુ. પણ તમે તો એવું કરો છો અને ભૂલી જાવ છો. કાશ તમેં એક વાર મારી મમ્મી વિશે વિચાર્યું હોત. તમે માત્ર એક વાતનો જવાબ આપો … “શું તમારો જમાઈ તમારા જેવો હોવો જોઈએ ?? જે રોટલી થોડી જાડી બની હોય તો ગુસ્સે થઈ જાય, ગરમ પરોઠા લાવવામાં મોડું થાય તો જમ્યા વગર ચાલ્યો જાય, પોતાની જ મુકેલી ચેક બુક ન મળતાં ગુસ્સે થઈ આખું ઘર માથે લઈ લે.. બોલો પપ્પા
આ બધું શાલિની સાંભળી રહી હતી. અતુલ જવાબ આપ્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો.
આજે અરીસામાં તેનો ચહેરો જોઈને તે કદાચ શાલિની સામે જઈ શક્યો નહીં.
અતુલ ના સ્વભાવ હવે થોડો બદલાવા માંડ્યો અને પુત્રી અનુ ની નોકરી પણ સારી રીતે ચાલવા લાગી. શાલિની હવે ખુશ હતી પણ તેને દુઃખ હતું કે કાશ તે પોતાના માટે કાંઈક કરી શકી હોત.
બે વર્ષ પછી, પુત્રીનો સંબંધ નકકી થયો … અતુલે અનુ ને વિદાય વખતે કહ્યું .. “અનુ, મારી દીકરી, તારો જીવન સાથી તારા પિતા જેવો નથી .. તું તેની સાથે ખુશ રહીશ”.
અનુ અને શાલિનીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.