આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે 900 વર્ષ જૂનું છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. આ મંદિરના પત્થરો એટલા હળવા છે કે તે પાણીમાં તરતા રહે છે.
આટલું જ નહીં, આ મંદિરને બનાવવામાં 40 વર્ષનો સમય લાગ્યો હતો અને યુરોપિયન વેપારીઓ પણ કોઈક સમયે તેની વાસ્તુકલાથી પ્રભાવિત થયા હતા. આવો જાણીએ આ મંદિર કયું છે અને ક્યાં આવેલું છે
13મી સદીનું આ મંદિર તેલંગાણામાં વારંગલ નજીક આવેલું છે. આ મંદિર રૂદ્રેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર વર્ષ 1213 એડીમાં કાકટિયા સામ્રાજ્યના રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચરલા રુદ્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું.
અહીંના સ્વામી રામલિંગેશ્વર સ્વામી છે, જે ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. આ મંદિર કાકટિયા શિલ્પ શૈલીમાં બનેલું છે. પોતાની વિશિષ્ટ શૈલીને કારણે આ મંદિર ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
આ મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે રામપ્પા નામના કારીગરે બનાવ્યું હતું. જેના કારણે આ મંદિરનું નામ કારીગરના નામ પરથી પડ્યું. ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેનું નામ તેના કારીગરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ મંદિરને બનાવવામાં 40 વર્ષ લાગ્યા હતા. આ મંદિર છ ફૂટ ઊંચા તારા જેવા પ્લેટફોર્મ પર ઊભું છે, જેમાં દિવાલો, થાંભલા અને છત પર જટિલ કોતરણી કરવામાં આવી છે. વર્ષ 2021માં આ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવામાં આવ્યું હતું. દેશના ખૂણે-ખૂણેથી ભક્તો આ મંદિરમાં આવે છે અને અહીં દર્શન કરે છે.
જો તમે પણ આ મંદિર જોવા જઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે નજીકનું રેલ્વે સ્ટેશન વારંગલ છે જ્યાંથી આ મંદિરનું અંતર માત્ર 70 કિલોમીટર છે.