મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ખાણમાં ખોદકામ દરમિયાન, એક મજૂરને લગભગ 10 થી 12 લાખ રૂપિયાની કિંમતનો 3.15 કેરેટનો હીરો મળ્યો છે.
એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. પન્ના ડાયમંડ ઓફિસના અધિકારી અનુપમ સિંહે જણાવ્યું હતું કે મજૂર સુરેન્દ્ર પાલ લોધીને કૃષ્ણ કલ્યાણપુરની એક લીઝ્ડ ખાણમાંથી 3.15 કેરેટનો હીરો મળ્યો છે અને તેણે શુક્રવારે ઓફિસમાં જમા કરાવ્યો છે.
નિષ્ણાંતોના મતે હરાજીમાં આ હીરા પર 10 થી 12 લાખ રૂપિયાની સફળ બોલી મળી શકે છે. લોધીને આશા છે કે હીરાની હરાજીમાંથી મળેલી રકમથી તેની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તે તેના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા સક્ષમ બનશે.
લોધીએ પત્રકારોને જણાવ્યું હતું કે નવ મહિનાની મહેનત બાદ આ કિંમતી પથ્થર મળી આવતા તેઓ અત્યંત ખુશ છે.
દરમિયાન સિંહે જણાવ્યું હતું કે હીરાને હરાજી માટે મૂકવામાં આવશે અને પ્રાપ્ત રકમમાંથી સરકારી રોયલ્ટી કાપવામાં આવશે અને બાકીની રકમ સંબંધિત મજૂરને ચૂકવવામાં આવશે.
લોધી એક પરપ્રાંતિય મજૂર તરીકે કામ કરતો હતો, પરંતુ અન્યોની સફળતા જોઈને તેણે પણ હીરાની ખાણમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. બુંદેલખંડ વિસ્તારમાં સ્થિત પન્ના જિલ્લામાં અંદાજે 12 લાખ કેરેટના હીરાનો સ્ટોક હોવાનો અંદાજ છે.