વિરાટ કોહલીએ નવા વર્ષમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટ મેચ અને ત્રણ મેચની સિરીઝ હારી ગયાના 24 કલાક બાદ એક ટ્વીટમાં ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. વિરાટના નિર્ણયથી તેના ચાહકોને આંચકો લાગ્યો હશે પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને આ બાબતની જાણ હતી.
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવી રહેલા દાવા મુજબ કોહલીએ પહેલા કોચ રાહુલ દ્રવિડ અને ત્યારબાદ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ટેસ્ટની કેપ્ટન્સી છોડવાની જાણકારી આપી હતી. એટલું જ નહીં, ત્રીજી ટેસ્ટ મેચના અંતે તેણે સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પણ આ અંગે જાણ કરી હતી. અહેવાલો અનુસાર, કોહલીને એક વખત પણ સુકાની પદ છોડવાના બીસીસીઆઈના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું ન હતું.કેપટાઉન ટેસ્ટ હાર્યા બાદ જેવા જ વિરાટે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને પોતાના નિર્ણયની જાણ કરી તો તેણે તરત જ તેનો સ્વીકાર કરી લીધો.
અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર, “વિરાટ કોહલીએ શનિવારે બપોરે 1 વાગ્યે પોતાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાના ટ્વીટના થોડા કલાકો પહેલા BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાની વાત કહી. ગાંગુલી અને શાહ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દેવાના તેમના અચાનક નિર્ણયથી થોડા આશ્ચર્યચકિત થયા હતા. પરંતુ આ વખતે ટી20ની જેમ બોર્ડે તેને નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી નથી.
રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું કે, “કોહલીએ પહેલાથી જ સુકાની પદ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. તેથી તેમને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. BCCIના ટોચના અધિકારીઓએ કોહલીની T20 કેપ્ટનશીપ બાદ થયેલા વિવાદમાંથી બોધપાઠ લેતા આ વખતે ચૂપ રહેવાનું વધુ સારું માન્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેપટાઉન ટેસ્ટ સમાપ્ત થયા બાદ વિરાટ શુક્રવારે સાંજે હોટલ પહોંચ્યો હતો અને કોચ રાહુલ દ્રવિડ અને સાથી ખેલાડીઓને જાણ કરી હતી કે તે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવા જઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા વિચાર્યું હતું કે કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ટેસ્ટ શ્રેણી હશે. તે ટેસ્ટ કેપ્ટન તરીકેની તેની સફરને જીત સાથે સમાપ્ત કરવા માંગતો હતો પરંતુ તે થઈ શક્યું નહીં.